post

26 Feb 2014

વાઈબ્રન્‍ટ' બેકારીઃ

વાઈબ્રન્‍ટ' બેકારીઃ ૩૭૧૬ રોજગાર મેળા છતાં ૩૦ લાખ બેકાર
ફીકસ પગારવાળાને પુરો પગાર આપોઃ ડો. તેજશ્રીબેન


ગાંધીનગર, તા. ૨૬ :. આજરોજ ગુજરાત વિધાનસભામાં શ્રમ અને રોજગાર વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતા અમદાવાદ જિલ્લાના વિરમગામ વિધાનસભા મત વિસ્‍તારના કોંગ્રેસના ધારાસભ્‍ય અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના પ્રવકતા ડો. તેજશ્રીબેન પટેલે જણાવ્‍યુ હતુ કે, ગુજરાતમાં બેરોજગારીનો દર સૌથી ઓછો હોવાનું સરકાર દ્વારા કહેવામાં આવે છે અને રોજગાર કચેરી મારફત રોજગાર આપવામાં ગુજરાત અવ્‍વલ નંબરે હોવાનો દાવો કરવામાં આવે છે. બીજી બાજુ જમીન પરની હકીકત એવી છે કે, તલાટીની વર્ગ-૩ કક્ષાની ફક્‍ત ૧૫૦૦ જેટલી જ જગ્‍યાઓ માટે ૮ લાખ જેટલી વિશાળ સંખ્‍યામાં અરજીઓ આવે છે જે બતાવે છે કે બિનરોજગારીનું પ્રમાણ રાજ્‍યમાં કેટલુ
બધુ છે? લોકોની સંખ્‍યામાં ધૂળ નાખવા માટે મોટા મોટા પ્રોજેકશન તૈયાર કરવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા ૩,૭૧૬ જેટલા રોજગાર મેળાઓનું આયોજન થયું, છતાંય આજે ૩૦ લાખ કુલ બેરોજગારો અને તેમાંય ૧૦ લાખ શિક્ષિત બેરોજગાર યુવાનો કેમ છે? તેવો પ્રશ્‍ન ડો. તેજશ્રીબેને કર્યો હતો.
ડો. તેજશ્રીબેન પટેલે જણાવ્‍યુ હતુ કે, સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, આગામી ૧૦ વર્ષમાં સરકારી અને જાહેર સાહસ ક્ષેત્રે ૧.૫ લાખ જેટલી ભરતી કરવામાં આવશે. તેની સામે આગામી ૧૦ વર્ષમાં નિવૃત થનાર અધિકારી/કર્મચારીઓની સંખ્‍યા પણ આટલી જ હોવાની છે. આથી હાલ જે જગ્‍યાઓ ખાલી છે તે જગ્‍યાઓ ખાલી જ રહેશે. વિધાનસભાની પ્રશ્‍નોતરીમા સરકારના જવાબોમાં આપણે જોયું જ છે કે, રાજ્‍ય સરકારમાં હાલ ૩૫-૪૦ ટકા જગ્‍યાઓ ખાલી જ પડેલી છે અને કેટલાક વિભાગોમાં તો ૫૦ ટકા જેટલી જગ્‍યાઓ ખાલી છે. આટલી બધી મોંઘવારીના સમયમાં ફીકસ પગારવાળા કર્મચારીઓને કાયમી કરવા જોઈએ તેવી માંગણી સરકારશ્રી સમક્ષ ડો. તેજશ્રીબેન પટેલે કરી હતી.
તાજેતરમાં જ પ્રકાશમાં આવેલ તલાટી ભરતી કૌભાંડ અંગે ટીકા કરતા ડો. તેજશ્રીબેન પટેલે જણાવ્‍યુ હતુ કે, ગરીબ અને મધ્‍યમ વર્ગના યુવાનોના પિતા પેટે પાટા બાંધીને મજુરી કરતા હોય ત્‍યારે દીકરાને નોકરી અપાવવા માટે દેવું કરીને ૧૦ - ૧૦ લાખ રૂપિયા વચેટીયાઓને કેવી રીતે આપે? ફરીથી આવી કલ્‍યાણસિંહ યોજના ના થાય અને યુવાનોનું શોષણ અને સરકારી નોકરીઓની ભરતીમાં ભ્રષ્‍ટાચાર ન થાય તે જોવાની જવાબદારી અને ફરજ ગુજરાતની ભાજપ સરકારની છે.